પહેલું સુખ તે જાતે નર્યાબીજું સુખ તે ઘેર દીકરા ત્રીજું સુખ તે ગુણવંતી નાર ચોથું સુખ તે ભરેલા ભંડાર
પહેલું સુખ તે જાતે નર્યા
બીજું સુખ તે ઘેર દીકરા
ત્રીજું સુખ તે ગુણવંતી નાર
ચોથું સુખ તે ભરેલા ભંડાર
અર્થ વિસ્તાર:
સામાન્ય રીતે આ કહેવતની પહેલી પંક્તિ જ પ્રચલિત છે. બહુ ઓછા લોકો બાકીની 3 પંક્તિ જાણે છે. આ આખી કહેવત જીવનના મર્મ અને પ્રાથમિકતાઓ સૂચવે છે.
પ્રથમ સુખ ખરેખર એ જ છે કે તમે જાતે તંદુરસ્ત અને નિરોગી રહો, કારણકે એક સ્વસ્થ તનની અંદર જ એક સ્વસ્થ મન રહી શકે છે, અને જીવનમાં કંઈપણ પ્રાપ્ત કરવા માટે એક સ્વસ્થ અને સશક્ત મન હોવું અનિવાર્ય છે. એટલે જો અર્થપૂર્ણ જીવન જીવવું હોય તો તંદુરસ્ત શરીર અનિવાર્ય છે, માટે તેની પ્રાથમિકતા સૌથી ઉપર છે.
સંતાન વગરનું ગૃહસ્થી જીવન એ સાકર વગરના કંસાર જેવું બની રહે છે. અંતે જીવનમાં રસિકતા ખૂટી જાય છે અને માણસ યંત્રવત બની જાય છે. માટે જીવનને રસિક રાખવા માટે સંતાનો જરૂરી છે. અહીં સંતાનો એ બહુવચનનો જાણીજોઈને પ્રયોગ થયો છે કારણકે માત્ર એક સંતાન હોવી એ દંપતીનો પોતાની સાથે અને પોતાના સંતાન, બંને સાથે બહુ મોટો અન્યાય છે. માટે આ કહેવતમાં પણ, અને તેના વિચાર વિસ્તારમાં પણ હું સંતાનો માટે બહુવચનનો જ ઉપયોગ કરું છું અને કહું છું કે એકથી વધુ સંતાન હોવી એ જીવનની ઉચ્ચ પ્રાથમિકતા હોવી જોઈએ.
ગુણવંતી નાર એટલે કે પત્ની માટે ત્રીજું સ્થાન આપવામાં આવ્યું છે કે જેની સાથે ઘણા લોકો અસહમત હોઈ શકે છે. હું પણ તેની સાથે સહમત હોય એ આવશ્યક નથી. પણ સ્પષ્ટ છે કે આ કહેવત એવા સમયે બની છે કે જયારે સંયુક્ત પરિવારો રહેતા હતા અને લોકોને ઘરમાં ઘણા બધા લોકો સાથે રહેવા મળતું હતું. હવે ઘરમાં કમસે કમ એક બે સભ્યો સાથે તો મન મળતું જ હોય માટે તેમના સહારે જીવન ચાલી જતું હોય છે. આજના વિભક્ત કુટુંબોમાં, કે જેમાં પતિ -પત્ની અને તેમનું એકમાત્ર સંતાન જ રહેતા હોય એમાં દંપતિ વચ્ચે મેળ ના હોય તો જીવન નર્ક બની જાય છે. માટે જો કોઈને જીવનના આ પાસ સાથે અસહમતી હોય તો તેમણે આ લેખકની ટીકા કરવા કરતાં આ સમયની ટીકા કરવી જોઈએ અને પ્રયાસ કરવો જોઈએ કે ઘરના બધા સભ્યો એક સંયુક્ત કુટુંબમાં રહે.
અને હવે જીવનની સૌથી નીચલી પ્રાથમિકતા છે ધન ભંડારો. આ વિષે હું એક આખું પુસ્તક લખાય એટલું કહી શકું છું પણ અહીં એટલું જ કહીશ કે જીવનમાં પ્રસન્ન અને સંતુષ્ટ રહેવું અને પૈસાના ભંડાર હોવા, એ બે વચ્ચે કોઈ સીધો સંબંધ નથી. માટે આની પ્રાથમિકતા નીચે હોય એ યોગ્ય જ છે. બાકી હું વાચકોને તેમના નિરીક્ષણ અને નિર્ણય માટે આ તરણ ખુલ્લું રાખું છું.
હવે જરાક ફરીથી આખી કહેવતને ઊંધેથી વાંચો. તમને અચાનક ભાન થશે કે આપણા જીવનમાં આ પ્રાથમિકતાઓ બિલકુલ ઉંધી ચાલી રહી છે. અને હવે આપણી આજુબાજુની પરિસ્થિતિઓનું અવલોકન કરો. હવે એમાં કોઈ આશ્ચર્યની વાત છે કે આપણી આજુબાજુના દરેક લોકોના જીવનમાં અનેક સમસ્યાઓ ચાલી રહી છે, અને મનોચિકિત્સકોના બેન્ક બેલેન્સ મસમોટા થઇ રહ્યા છે?
Comments
Post a Comment