જીવંતી શાક રૂપે પણ ખાઈ શકાય છે. જીવંતીનું બીજું નામ જ શાકશ્રેષ્ઠા છે.
લેખક: ડૉ. શરદ ઠાકર
નીતા નામની 14 વર્ષની કિશોરી. જામનગરમાં ગર્લ્સ હોસ્ટેલમાં રહીને ભણતી હતી. અચાનક એની જમણી આંખમાં ‘ફુલુ’ અને ‘વેલ’ નામની ચિંતાજનક બીમારીની પગલી પડવાનું શરૂ થયું. એની રૂમ પાર્ટનર છોકરી નેચરોપથીની વિદ્યાર્થિની હતી. એણે ઉપાયો સૂચવ્યા જે કારગત ન નિવડ્યા. ઘઉંના જ્વારા વાટીને એના રસનાં ટીપાં આંખમાં પાડ્યાં, પણ બીમારી વધતી ગઈ. નીતાના મનમાં તીવ્ર ડર પેસી ગયો હતો. આનું કારણ એના પપ્પાની ભૂતકાળની ઘટનામાં રહેલું હતું. નીતાના પપ્પા જ્યારે 11-12 વર્ષના હતા ત્યારે એમની આંખમાં પણ આવી જ રીતે બીમારીએ પગપેસારો કર્યો હતો. પપ્પાની ડાબી આંખમાં કોર્નિઅલ ઓપેસિટી અને જમણી આંખમાં ગ્લુકોમા નામની એ જમાનામાં અસાધ્ય ગણાતી બીમારી લાગુ પડી હતી. પરિણામે પપ્પાની જમણી આંખ પૂરેપૂરી અંધાપાગ્રસ્ત થઈ ગઈ હતી. ડાબી આંખમાં પણ ગમે ત્યારે અંધકાર છવાઈ જવાનું નક્કી હતું. પપ્પાની દયાજનક સ્થિતિની નીતા સાક્ષી રહી હતી. સારવારમાં સહેજ પણ કચાશ રાખી ન હતી. મુંબઈમાં લઈ જઈને પપ્પા ધનજીભાઈનું કોર્નિઅલ ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન પણ કરાવી જોયું, જે સફળ ન રહ્યું. હૈદરાબાદ જઈને એ જ સર્જરી ફરીવાર કરાવી. આંખ પર છવાયેલો કાળો પડદો ન જ હટ્યો. પંચાવન વર્ષ પહેલાંની આ ઘટનાઓ. આજે ધનજીભાઈ અઠ્યોતેરની ઉંમરે પણ અંધારાં ઊલેચી રહ્યા છે. આ અનુભવના કારણે નીતા ડરી ગઈ હતી. બીજા વર્ષે એ ભણવા માટે રાજકોટમાં આવી. આંખના ડોક્ટરે કહ્યું..
‘તને પણ એક આંખમાં કોર્નિઅલ અલ્સર અને બીજીમાં ગ્લુકોમાની શરૂઆત થઈ ગઈ છે.’
મરતા ક્યા નહીં કરતા..? ક્યાંકથી જાણવા મળ્યું, ‘રાજકોટમાં એક ગ્રૂપ છે, જેના સભ્યો છોડ અને રોપાઓનો પ્રચાર-પ્રસાર કરે છે. એ લોકો માને છે કે આપણી વનસ્પતિઓમાં અમોઘ ઔષધીય ગુણો હોય છે.’
ડૂબતા માણસ તરણાનો સહારો ઝડપી લે એવી રીતે નીતાએ એ ગ્રૂપના સભ્યોનું સૂચન ઝીલી લીધું...
‘આ જીવંતી નામની વનસ્પતિ છે. એનું નિત્ય સેવન કરીશ તો તારી બંને આંખો હીરા જેવી તેજસ્વી બની જશે.’
એ ઘડી અને આજનો દિવસ! છેલ્લા અઢી-ત્રણ દાયકાથી નીતા (હવે નીતાબહેન) જીવંતીનું સેવન કરતાં રહ્યાં છે. ન તો એમની આંખમાં ફુલુ છે, ન વેલ, ન ઝામર. અરે, ચશ્માનાં નંબર પણ નથી આવ્યા. જીવંતીને ડોડી અથવા ખરખોડી પણ કહે છે. એક કડવું સત્ય જણાવું..? જે દેશમાં હજારો વર્ષથી માતાઓ પોતાનાં સંતાનોની આંખોમાં શુદ્ધ ઘીના દીવાની મેશ આંજતી આવી છે એ દેશ વિશ્વભરમાં અંધાપો અને આંખની અન્ય બીમારીઓની યાદીમાં પ્રથમ ક્રમાંકે છે. અનુભવીઓના મુખેથી મેં સાંભળ્યું છે કે માણસની મોટાભાગની શારીરિક તકલીફોનું નિવારણ ગામ કે શહેરની આસપાસ ઊગતાં વૃક્ષો અને વનસ્પતિઓ પાસેથી જ મળી રહે છે. નીતાબહેન દાવા સાથે કહે છે...
‘જે દેશમાં જીવંતી ઉપલબ્ધ હોય તે દેશની પ્રજાને અંધાપો કે ચશ્માના નંબર આવે જ શા માટે?’
અંગત અનુભવ જણાવું. મારું પૈતૃક વતન જૂના ખેડા જિલ્લાના બાલાસિનોર તાલુકાનું એક સાવ નાનકડું ગામ જેનું નામ સાલૈયા છે ત્યાં આવેલું છે. શૈશવથી લઈને યૌવનકાળ સુધી દર ઉનાળુ વેકેશનમાં મારા પરિવારની સાથે હું ત્યાં જતો હતો અને બબ્બે મહિના સુધી ખેતરો અને વગડામાં ભમતો હતો. આવી જ રજાઓના દિવસોમાં એકવાર હું ભારે શરદીનો ભોગ બની ગયો. બંને નસકોરા સાવ બંધ. શ્વાસ મોંએથી લેવો પડે. કપાળ અને માથું ભારે દુ:ખે. ગામનો એક પટેલ છોકરો મારો પાક્કો દોસ્ત. એ મને ગામની બહાર આવેલા એક ખેતર પાસે લઈ ગયો. થોરની વાડ ઉપર પથરાયેલા એક વેલા તરફ આંગળી ચીંધીને મને કહ્યું..
‘આ ડોડીનાં પાન છે. એક પાંદડું તોડીને એની દાંડલી વારાફરતી એક-એક નસકોરામાં દાખલ કર. છીંકો આવવા માંડશે. અંદર ભરાયેલું બધું પ્રવાહી બહાર નીકળી આવશે. અહીં તો અમે બધાં આવું જ કરીએ છીએ. તને વિશ્વાસ હોય તો અજમાવી જો.’
મારી હાલત પણ ‘મરતા ક્યા નહીં કરતા?’ જેવી જ હતી. મેં દાંડલીથી મારા નાકમાં ‘હળી’ કરી. છીંકોની વણથંભી ધારાવાહિક સિરિયલ ચાલુ થઈ ગઈ. ચાર-પાંચ હાથરૂમાલ ભીનાં થઈ જાય એટલું પ્રવાહી નીકળી ગયું. માથું હળવું થઈ ગયું. એ સાંજે અમે ત્રણેક કલાક સુધી નદી, ખેતર, વગડો ભમતા રહ્યા.
એ પછી મોટો થઈને હું મેડિકલ કોલેજમાં ભણવા માટે ગયો, ડોક્ટર બન્યો. આપણી ધરતીની ધરોહર પરથી ભરોસો ઊઠતો ગયો, એલોપેથિક મેડિસિન્સમાં અતૂટ શ્રદ્ધા બેસતી ગઈ. ડોડીનાં પાંદડાંનું સ્થાન પેરાસિટામોલ અને લીવોસેટ્રીઝને લઈ લીધું.
આજે પચાસ વર્ષ પછી એ ભૂલાઈ ગયેલું ડોડીનું નામ નીતાબહેન પાસેથી સાંભળવા મળ્યું. ડોડી ખરેખર ભૂલાઈ ગયેલું નામ છે. આની પાછળનાં ઘણાં બધાં કારણોમાં એક કારણ બદલાયેલા પર્યાવરણનું પણ છે. ડોડીનો ફેલાવો એનાં બીજ દ્વારા થાય છે. ગામડાંમાં રહ્યાં હોય એ લોકોને ખબર હશે કે વૈશાખના મહિનામાં ગામડાંમાં ભરબપોરે ધૂળની ડમરીઓ ચડતી હોય છે. માર્ગમાં ધૂળ ગોળ-ગોળ ઘૂમરાતી, ઊભા થાંભલાની જેમ પવનના વેગથી જમીન પરથી ઉપરની દિશામાં જાય છે અને પછી વિસ્તરીને શાંત પડી જાય છે. આ વાસ્તવમાં પ્રકૃતિ દ્વારા પ્રયોજાતું એક ગુપ્ત મિશન છે. આ ધૂળની ડમરીની સાથે સાથે કંઈ કેટલીય વનસ્પતિનાં બીજો પણ ઊંચકાઈને એક સ્થળેથી બીજા સ્થળે ફેલાતાં રહે છે.
ડોડીનાં બીજ પણ ડમરીની સાથે ઉડીને થોરની વાડ ઉપર જઈ બેસે છે. વાડ પણ કુદરતે કાંટાળી પસંદ કરી, જ્યાં બકરી કે તોફાની બાળકો પણ જવાની હિંમત ન કરે. બીજ ત્યાં સલામતીપૂર્વક પડ્યાં રહે. પછી જૂન-જુલાઈમાં વરસાદ આવે. પાણીમાં ભીંજાઈને બીજ માટીમાં પડે, ત્યાં પાંગરે અને વેલા રૂપે વિસ્તરતા રહે. હવે ધૂળીયા મારગ ઉપર ડામર પથરાઈ ગયો છે. (ગામડાંમાં પણ.) થોરની વાડો જવલ્લે જ જોવા મળે છે. ઔષધીય વનસ્પતિઓને જાણવામાં અને જાળવવામાં કોઈને રસ રહ્યો નથી. પરિણામ આપણી આંખ સામે છે. આખા વિશ્વમાં આંખના રોગીઓ સૌથી વધારે ભારતમાં છે. રાજકોટથી જેતપુર જવાના માર્ગ પર એક આશ્રમ છે. ત્યાંના સંત ડોડીનો રોપો જોઈને રડી પડ્યા...
‘લગભગ વીસ વર્ષ પછી જીવંતીના દર્શન થયા. નાના હતા ત્યારે ગામડાંમાં અમારી સવાર જીવંતીનાં પાંદડાં ચાવવાથી પડતી હતી અને રાતનું વાળુ કાયમ બાજરીના રોટલા સાથે ડોડીની ભાજી ખાવાથી થતું હતું. અમારા ગામનાં 70-75 વર્ષનાં વૃદ્ધોનાં માથાં પર ઘટાટોપ કાળાભમ્મર વાળ શોભતા હતા અને એ બધાં ચશ્મા પહેર્યા વિના છાપું વાંચી શકતા હતા. એ પ્રતાપ ડોડી ઊર્ફે જીવંતીનો હતો.’
હા, જીવંતી શાક રૂપે પણ ખાઈ શકાય છે. જીવંતીનું બીજું નામ જ શાકશ્રેષ્ઠા છે. આજે માણસ હવા, પાણી, ખોરાક બધાંમાં ઝેર આરોગતો રહે છે. ડોડીનું શાક આ બધાં ઝેરનું મારણ છે. પૃથ્વી પરની તમામ ટેબ્લેટ્સ કે કેપ્સૂલ્સમાંથી મળતાં વિટામિન ‘એ’ નો સરવાળો કરીએ એના કરતાં પણ અધિક માત્રામાં વિટામિન ‘એ’ જીવંતીમાં રહેલું છે. જાણકારો તો એવું કહે છે કે રોજ સવારે એક ચમચી જીવંતીનો પાઉડર લેવાથી પચીસ દિવસમાં આંખના નંબર ઊતરી જાય છે. એક રસપ્રદ વાત એ છે કે જીવંતી કોઈ જાજરમાન સ્ત્રીની જેવી ‘માનુની’ છે. એ માન માગતી વનસ્પતિ છે. જો એને તમારા આંગણામાં રોપશો, પણ એના તરફ માનભરી નજર નહીં નાખો તો એ થોડા જ દિવસોમાં સુકાઈ જશે. જો તમે એની તરફ પ્રેમથી જોશો તો તે જોતજોતામાં ઘટાટોપ થઈ જશે. ભારત દેશમાં પ્રત્યેક ઘરમાં કોઈ ને કોઈ સ્વરૂપે જીવંતી હોવી જ જોઈએ, પણ લાખ રૂપિયાનો સવાલ એ છે કે જીવંતીને શોધવી ક્યાં અને કેવી રીતે..? ચિંતા કરવાની જરૂર નથી. જે વાચકમિત્રોને મન ચશ્મા કરતાં આંખોનું મૂલ્ય વધાર છે એમને હું નિ:શુલ્ક મદદ કરી શકું છું. દવાખાનાનું કે ચશ્માની દુકાનનું સરનામું આપવાને બદલે હું જીવંતીનું સરનામું ચીંધી શકું છું. આ દેશમાં આંખવાળાઓને પણ દૃષ્ટિની જરૂર છે.
Comments
Post a Comment