આજથી ૫૦ વરસ પહેલાના લગ્નના જમણવારનો અહેવાલ

 આજથી ૫૦ વરસ પહેલાના લગ્નના જમણવારનો અહેવાલ



દાળવાટકી, પિત્તળની ડોલ ને કમંડળ ને ચમચા ને છરીયુ ને પુરી દબાવવાના મશીન ને છીણી ને એવુ બધુ વહેવારવાળાને ત્યાં ગોતવા નિકળી જાય એ કટંબમાં લગન પરસંગ એટલે કે વરો છે એમ સમજી લેવાતુ. કેટરીંગ તો હતુ જ નહી પણ મંડપવાળા ય શહેરમાં જ હતા. એટલે માડવા કારવવા તાપડા-તાલપત્રી ને મોદ માગી લવાતા. અને ઠામ-વાસણ કુસણ પણ પાડોશ માંથી કે પીપ હોય ત્યાંથી બેક દિ- ઘડી સાપડી લઇ લેતા.
વર કે કન્યાના બાપા તો લગનને છો મહીનાની વાર હોય ત્યાં જ નમ્ર બની ગયા હોય.
સારાની સારાઇનો લાભ અને સેવા નહીતર બરાબર મળે નહી. વાંકુ તો કોઇ હારે મુદ્દળ નહી પાડવાનું.
ચપટી બુધાલાલ તમાકુથી માંડીને રકાબી ચા સુધીનો બધોય વહેવાર હારી રીતે હાચવવાનો.
જો કે તો ય પરિવારમાં કોકે તો ટાણે જ લબડાવાનું નક્કી કર્યુ હોય તે ઇ તો "ઉહુઉઉઉક.... મારે નથી આવવુ,
ધીરાની લગ્નમા માં મોહનો ટાણે જ વાડીએ વયો ગ્યો'તો ઇ મને હજી હાંભરે છે.." કરીને રીહાય.
એને વળી માંડ માંડ વડીલો મનાવે અને બીજે દિ ડાયરો હોય, ઘરધણી એની તૈયારી કરે.
બીજી કોર ગામનો કોઇ વાળંદભાઇ હાથમાં નોતરાનો ખરડો લઇ, સાયકલ પર સવાર થઇ નિકળી ગયો હોઇ.
તે ઇ કોકની ખડકી ખખડાવે, કોકનો ઝાંપો-ઝાંપલી હડસેલે, કોકના કમાડની સાંકળ પછાડે તો કોકનો ડેલો ધબધબાવી ને પછી હાદ પાડે- ઉંચા અવાજે- અદાલતનો પેલો નામ પોકારિયો હોય એમ વિશિષ્ટ લહેકામાં બોલે; " એએએએએ પોપટભાઈ સોમાભાઈ પટેલ ને ત્યાં રાતે ડાયરામાં, કાલસવારે માંડવે, કાલરાતે એક જણને અને પરમદિ' બપોરે હાગમટે જમવાનું નોતરૂ છેએએએએએ.."
આહાહા...હા, આટલુ હાંભળીને તો મનમાં મધ રેડાતું.
એ જતા રહે પણ આ બાજુ જેને જમવા જવાનું છે એના માનસપટ ઉપર એક આખુ ચિત્ર ખડુ થઇ જતુ.
કોકનો વંડો કે શેરી માળી હોય, પવન ના લાગે એવા ખુણામાં બે ઉંડી મોટી ચૂલ હોય,
કીચન સમકક્ષ એ વિભાગમાં કાચુ કરિયાણુ, બટેટા, શાકભાજી પડ્યા હોય, મગ બાફણા જગતા હોય ને મોટા તપેલાઓમાં રસોઇ રંધાતી હોય, આગલે દિ' રાતે બનાવેલી લાડવા વળાતા હોય,મીઠાઈઓ કપાતી હોય,
મીંદડી આંબી નો જાય એવી જગ્યાએ મોહનથાળ ચોકીમાં ઢાળેલો પડ્યો હોય,
બાળકની રમકડાની મોટરના પૈડા હોય એવી સાઇઝમાં કોક મરચાને કાતરથી કાપતો હોય, તો કોક કોબીને ઇસ્ટીલના ઉંધા ગલાસથી કાપતો હોય, સંભારા માટે સમારતા હોય,
કોક બડબો ભરી હોય એવા થાળી-વાટકા-ગલાસને ગાભો મારતા હોય, કોક કોક ડાંડ કીસમના હોય ઇ ગાડાની ઉંધે જઇ ફડાકા મારતા હોય, સાજે જાનના રાતવાસા માટે ઘરદીઠ એક ખાટલોને એક રૂનુ ગાદલુ ઉઘરાવવાના છોકરાઓ થનગનતા થનગનતા નીકળી પડે,
લાલ રમચીની ખાટલાના પાયા પર ટૂકા નામ લખાયને સરસ ગાદલા પર પણ ઘરધણીના નામનો લાલ સિક્કો મારી દે..
કેટલાકે તો જાનના છોકરા પેસાબ કરીને ગાદલા બગાડતા ય હોય તેથી કેટલાકે તો જાન માટે એક ગાદલુ અલગ જ ફાળવેલ પણ હોય,
આ બધા જ ખાટલા જાનને ઉતારે લાઈનસર પથરાઈ ગયા હોય,બાઇઓની પથારીઓ ઘરમા કે ઓસરીઓમા હોય,
પણ કેટલાક અવરચંડાજાનૈયા સહુના પહેલા પહોચી જાયને સારા સારા ખાટલાને બોટી લેતા... બબ્બે ગાદલા ય પાથરી દેતા... કેટલાક ખાટલા ગાદલા વગરના થયી જતા તે ઘરધણી ઘરના ગાદલેથી પુરા પાડે.
સાજ હોય, અંધારૂ થઇ ગયુ હોય અને પછી પીળા બલ્બ, બસ્સો બસ્સો વોટના ચાલુ થાય. જમવા માટેનો સાદ પડાઇ ગયો હોય એટલે નોતરના માણસો જે થોડે દુર બેઠા હોય, એ આવવા લાગે.
દાળ શાકના ડાઘવાળા પાતિયા (આસન પટ્ટા) પાથર્યા હોય પણ આજ એની કોઈને પરવા ના હોય.
આમ તો ભોજન માટેનુ મેનુ ફીક્સ જ રહેતુ... "રાણી બાદશાહ એક્કો અને લૈલા મજનુનું શાક" અર્થાત મોહનથાળ અને રીંગણા બટેટાનું શાક. વધુમા સંભારો, ફરફર અને આખરમાં દાળભાત... બસ આટલુ જ, વરસો સુધી ચાલેલા આ મેનુનો શોધક કોણ હશે ?
અને એને એમે ય નહી થયુ હોય કે આ ડોહુ શાક... ખાવુ હેની હારે ? તો ય જો કે લોકો તો ખાતા જ. અરે... ખાતા નો ધરાતા!!
ઈ ગમે એમ કરી, ભાત ભેળવીને ય પણ શાક તો હોશેહોશે લેતા અને વળી ખાતા ય ખરા. અને ખાય કેમ નહી અલ્યા ??? એકનું નોતરૂ હોય તો પાંચ, ગણેહનું નોતરૂ હોય તો શ્રીફળ તથા રોકડા દહ રૂપિયા અને હાગમટે હોય તો પુરા પચ્ચીસ રૂપિયાનો પહ ભરાવ્યો હોય હો, એ તો વસુલ કર્યે જ છુટકો.
આમ તો પહ લખાવતા પહેલા પટારો ફંફોસી, એમા ક્યાક હાચવીને મુકેલી, પોતાને ત્યાં ગયેલા પ્રસંગની નોટ ગોતી લેવાતી. જમીનનો દસ્તાવેજ હોય એવી એની જાળવણી થયેલી હોય કારણ કે કોણે કેટલો પહ ભરાવેલો એની નોંધ એમા પડેલી હોય અને એના આધારે જ અગિયાર લખાવવા કે એકવીહ.. એ નકકી થતુ.
જાન આવતી હોય તે દિ' મેનુમાં થોડો સુધારો જોવા મળે. મોહનથાળની જગ્યાએ લિંબુડીયા રંગનો ટોપરાપાક હોય, ભજીયા કે કડી,કટોસણથી ખમણ કે જલેબી મંગાવ્યા હોય અને આગલે દિ' રેશનના ચોખા દાળભાત માટે વાપર્યા હોય તે આજ બાસમતિનું આંધણ મુક્યુ હોય. વરવિવામાં એટલી સ્પર્ધા ન થતી જેટલી જાન આવી હોય તે દિ પીરસવામાં થતી.
જુવાનિયાવ જાનડીયુને ભાવભેર જમાડવા ઓછા ઓછા- ભીના ભીના- અડધા અડધા થઇ જતા. પંગત પડી ગઇ હોય, લાડવાવાળો આગળ પછી ઢેફલા પછી ભજીયા પછી શાક પછી સંભારો પછી ચટણી પછી દાળ એમ એના આરક્ષિત ક્રમમાં હારથિયા પિરહવા લાગે, લેવુ હોય ઇ એમને એમ બેહે એટલે એની થાળીમાં વસ્તુ મુકાય અને આડો હાથ દેય એને ઠેકી જવાનો ધારો હતો. મોહનથાળના બે ,ભજીયા બે દાણા, ખમણ ચપટીક,એક ચમચો શાક,વાડકીમા દાળ... આટલી માત્રામાં જ પીરસવુ જેથી બગાડ ના થાય એવો નિયમ પણ અમલમાં રહેતો જ.
આ પ્રમાણે પીરસવાવાળા લાંબી લાઇન પુરી કરે ત્યા કમરના મણકા ફાટવા લાગ્યા હોય, ઉત્સાહ નામની ય કોઇ ચીજ હોય છે હો ભાઇ!!! જાડેરી જાન હોય તો પાંચ છ લાઇન અવળા હવળા મોઢે જમવા બેઠી હોય.
પીરસનાર છેલ્લી લાઇનના છેલ્લા જણ સુધી પહોંચે ત્યાં સુધીમાં પહેલી લાઇનની બધી થાળીઓ સફાચટ થઇ ગઇ હોય એટલે પીરસવાવાળા ભરશિયાળે પરસેવે રેબઝેબ થઇ ગયા હોય, તો ય ડોલુ, ચમચા, કમંડળ બદલીને પાછા નિકળે. આમ ત્રણવાર પીરસાય, ત્રીજીવાર તો હડેડાટ-હોપટ નિકળી જવાનો આદેશ હોય. અને પછી દાળભાત... સારૂ ઘર હોય એને ત્યાંય કોઈ મહેમાન હોય ત્યારે જ દાળભાત બનતા, એટલે એની ય આતુરતા જબ્બરી રહેતી.
કેટલાક તો લીંબુ ખીસ્સામાં નાખીને લાવ્યા હોય તે ઇ નીચોવીને ખાવાનો આનંદ કોઇ વિશેષ પ્રકારનો રહેતો.
ગળામણનો ઇ જમાનો, તે વેવાઇ ફાચરા દેવા નિકળે. પરાણે-તાણ કરી કરીને મોઢામાં મોહનથાળના કે ટોપરાપાકના ઢેફલા ઠુસે. તો વળી, સામા પક્ષે ય ક્યારેક હરખના ગળકા આવે અને પછી સામસામે પરબારા મોંમા ફાચરા દેવાય. ખાતો હોય એના હાથ તો એઠા હોય જ.. જે તાણ કરવા નિકળ્યા હોય એના આંગળાના ટેરવા પણ કેટલાય હોઠોના જર્મ્સ ચોટેલા હોય જે હરખભેર શેર થાય. હુઘરાઇની એ પરંપરા હજુ ચાલુ જ છે.
થોડે દુર પાણીનુ પીપડુ સીધુ જ કોકની કુવાની મોટર ચાલુ કરીને ભરી આવેલા હોય. એમા ગ્લાસ જબોળી હાથ ધોવાય અને એ જ ગલાસથી મોઢે માંડી પાણી પીવાય. પ્રવેશદ્વારે ચાંદલો લખવાવાળા પાસે જો મુખવાસ હોય તો મુઠોભરે,કોઈ તો રૂમાલમાં ય બાંધે અને ખાધા જેવી મજા નહી.. સુતા જેવુ સખ નહી એમ કરી બધા વરે પડે.
અને આજે:- રાજા રજવાડા જેવી ભાતના મંડપો ઉભા કર્યા હોય, નકલી ફુલોનાને ક્યાક સાચા ફુલોનુ શુસોભન કર્યા હોય, ઢોલ તો હોય પણ શિષ્ટાચાર પુરતો બાકી ડી,જી.ચાલે ધમધોકાર અગાઉના જમાના જે છોકરીઓ વરાના રસોડે પુરીઓ વણતી હતીતે અને જે છોકરા પંગતોને પીરસતા હતા તે રંગબેરંગી,ઢંગઢળા વાળા કે વગરના કપડા પહેરી બેફામ નાચતા હોય છે.
વરસો બાદ વરો આજે ઘણોખરો પ્રસંગ બન્યો છે.
સાચા અર્થમાં બત્રીસ જાતના ભોજન પીરસાય છે.
સદ્ધર થયેલો સમાજ દિલખોલીને પૈસા વાપરે છે.
અને એમા ખોટુ ય શું છે ? જમાનો ખરેખર જીવવા જેવો આવ્યો છે ને લોકો મનખ્યો માણી લેવાના મુડમાં છે.
છતાં પણ કોણ જાણે કેમ... જુના જમાનાના લગ્નો ભુલાતા નથી.... નવી પેઢીએ એ મજા ચોક્કસ ગુમાવી છે તેમાં કોઈ બેમત નથી...

Comments